ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી સાથે રેગિંગની અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્કૂલમાં ભણતા આ માસૂમ બાળક પર હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સના 4 વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના અન્ય 2 વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પીડિત વિદ્યાર્થી પાસે બળજબરીથી માથું દબાવડાવવું, બોડી માલિશ કરાવવી તેમજ હોસ્ટેલના નાના-મોટા વ્યક્તિગત કામ કરાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો પિતાએ કર્યો છે.

CCTV વગરની જગ્યાએ મારપીટ અને માનસિક સ્થિતિ કથળી

સગીર બાળક જ્યારે પણ રેગિંગ કે કામ કરવાનો ઇનકાર કરતો, ત્યારે આ નરાધમો તેને કેમેરા ન હોય તેવી ગુપ્ત જગ્યાએ લઈ જઈને ચપ્પલ તેમજ ઢીકાપાટુનો આડેધડ માર મારતા હતા. એટલું જ નહીં, માસૂમ બાળકને પરાણે સિગારેટ પીવડાવવામાં આવતી હોવાનો પણ ગંભીર આરોપ છે. આ અમાનવીય વર્તનના કારણે બાળકની માનસિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ હતી કે તે ડરના માર્યા રાત્રે ડાયપર પહેરીને ઊંઘવા માટે મજબૂર બન્યો હતો. વાલીના આક્ષેપ મુજબ હોસ્ટેલના બે રેક્ટર પણ આ કૃત્યમાં સામેલ હતા અને તેઓ જ વિદ્યાર્થીઓને સિગારેટ લાવી આપતા હતા.

નીલમબાગ પોલીસમાં અરજી બાદ કડક કાનૂની કાર્યવાહીની માંગ

સમગ્ર મામલે હોસ્ટેલ સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આખરે પીડિત બાળકના વાલીએ આક્રોશ સાથે ત્રણ દિવસ પહેલાં નીલમબાગ પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. પિતાએ માંગ કરી છે કે આ અમાનવીય કૃત્ય આચરનારાઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ બાળકના ભવિષ્ય સાથે આવું કૃત્ય કરતાં પહેલાં કોઈ વિચારે. હાલમાં આ ચકચારી મામલે નીલમબાગ પોલીસ દ્વારા વિધિવત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gir Somnathમાં માઇનિંગ કંપની સામે ખેડૂતોનો રોષ, સિંગસરમાં મોટી સંખ્યામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન