ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને કાયદા પ્રત્યેની બેફિકરાઈ ચરમસીમાએ પહોંચી છે. શહેરના અત્યંત વ્યસ્ત એવા રૂપમ ચોક વિસ્તારમાં ફરજ પર તૈનાત ટ્રાફિક જવાન વર્નિત સોઢાતર પર અજાણ્યા હુમલાખોરોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છરીના ઘા વાગતા જવાન લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા, જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇન્ચાર્જ PI અમીન પણ ઇજાગ્રસ્ત

આ હુમલાની ઘટના દરમિયાન ટ્રાફિક પોઇન્ટ પર હાજર ઇન્ચાર્જ PI અમીનને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાએ ભાવનગર પોલીસની સુરક્ષા અને અસામાજિક તત્વોમાં કાયદાના ડર સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે ભાવનગર જિલ્લામાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં પોલીસ કર્મચારી પર હુમલો થવાની આ બીજી ઘટના બની છે. સતત બની રહેલી આવી ઘટનાઓથી પોલીસ બેડામાં ભારે રોષ અને ઉકળાટ વ્યાપી ગયો છે.

હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને વિસ્તારના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે. ફરજ પરના પોલીસકર્મી પર હુમલો કરનાર માથાભારે શખ્સોને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક પાઠ ભણાવવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજૂર