ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા અને મોતીતળાવ VIP રોડ પર આઈસ્ક્રીમ તેમજ જ્યુસના મશીનનો વ્યવસાય કરતા વેપારીને નિશાન બનાવી 4 શખ્સોએ છરીની અણીએ રૂ. 2 લાખની ખંડણી માંગી 10 હજારની લૂંટ ચલાવતા વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વેપારીને ફોન પર બિભસ્ત ગાળો આપી ધમકાવ્યા
ઘટનાની મળતી વિગતો અનુસાર, મોડી રાત્રે અસામાજિક તત્વોએ વેપારીને ફોન પર બિભસ્ત ગાળો આપી ધમકાવ્યા હતા. ત્યારબાદ વેપારીના ઘર પાસે પહોંચી તેમને બહાર બોલાવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
2 લાખની માંગણી કરી
ચારેય શખ્સોએ રૂ. 2 લાખની માંગણી કરી હતી, પરંતુ વેપારી પાસે એટલી રકમ ન હોવાથી તેમની પાસે રહેલા રૂ. 10 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
આ સમગ્ર ડરામણી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચારેય આરોપીઓની દાદાગીરી અને વેપારી સાથે કરાયેલી ઝપાઝપી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાને પગલે ભયભીત થયેલા વેપારીએ તાત્કાલિક ઘોઘારોડ પોલીસ મથકે પહોંચી લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ચારેય અસામાજિક તત્વોની ધરપકડ
ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગુનામાં સંડોવાયેલા ચારેય અસામાજિક તત્વોની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચાલુ કરી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?