ભાવનગર જિલ્લા સહકારી બેંકની આર્થિક સ્થિતિ અને તાજેતરમાં યોજાયેલી ભરતી પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. બેંકમાં હાથ ધરવામાં આવેલી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ સહકારી વિભાગે કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ નોટિસ બાદ બેંકના તંત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે અને ચેરમેન, વાઈસ ચેરમેન સહિત ઉચ્ચ હોદ્દેદારો પર તાત્કાલિક ગાજ પડી છે.
ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે કોની કોની સામે થઈ કડક કાર્યવાહી?
ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓ અને વિવાદો સામે આવ્યા બાદ બેંકના મુખ્ય સંચાલકોને તાત્કાલિક ધોરણે ઘેર ભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ચાર હોદ્દેદારો સામે કાર્યવાહી કરાઈ છે.
- રસિકભાઈ ભીંગરડીયા – ચેરમેન
- કે. સી. ધાંધલા – વાઇસ ચેરમેન
- આર. ડી. સરવૈયા – મુખ્ય કારોબારી અધિકારી (CEO)
- જે. કે. કેવડિયા – મેનેજર
જોકે, બેંક પ્રશાસન દ્વારા આ તમામ અધિકારીઓને તાત્કાલિક મુક્ત કરવા પાછળ સાયબર ફ્રોડનું કારણ આગળ ધરવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં સહકારી વિભાગની નોટિસ અને ભરતીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
ફેબ્રુઆરી 2025 ની ભરતી પ્રક્રિયામાં કયા કયા મુદ્દે ઊઠ્યા સવાલો?
બેંક દ્વારા ફેબ્રુઆરી 2025 માં કર્મચારીઓની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતી શરૂઆતથી જ વિવાદોના ઘેરાવમાં રહી છે. સહકારી વિભાગની નોટિસ મુજબ ભરતી પ્રક્રિયા દરમિયાન નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના ચોંકાવનારા દાવો કરાયા છે.
- OMR શીટ પર અંગત વિગતો: OMR શીટ પર ઉમેદવારોના નામ અને મોબાઇલ નંબર લખાયેલા હોવાનો ગંભીર આક્ષેપ છે, જે પરીક્ષાની ગોપનીયતા ભંગ કરે છે.
- ગુણના પ્રમાણમાં બોર્ડ મંજૂરી વિના ફેરફાર: લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના ગુણનું પ્રમાણ પહેલા 50:50 નક્કી કરાયું હતું, જેને બદલીને 60:40 કરી દેવાયું હતું. આ ફેરફાર બોર્ડની ઔપચારિક મંજૂરી વિના કરાયો હોવાનો સવાલ ઊભો થયો છે.
- ઓછા ગુણ મેળવનારની પસંદગી: લેખિત પરીક્ષામાં 50 થી ઓછા ગુણ મેળવનાર ઉમેદવારોને પણ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક ઉમેદવારોનો અંતિમ પસંદગી યાદીમાં પણ સમાવેશ કરી દેવાયો હતો.
- નાણાંની આપ-લે અને સગાવાદ: પૈસા લઈને ભરતી કરવામાં આવી હોવાના તથા વગદાર લોકોના સંબંધીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ઉપપ્રમુખના પુત્રની પાત્રતા અને HR પોલિસી પર પ્રશ્નાર્થ
સહકારી વિભાગની નોટિસમાં બેંકના ઉપપ્રમુખના પુત્રની ભરતી અંગે પણ વિશેષ સ્પષ્ટતા માગવામાં આવી છે. પુત્રની ભરતીમાં નિયત પાત્રતાના માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ ઉપરાંત, બેંક દ્વારા HR પોલિસીને બોર્ડ કે સક્ષમ સ્તરેથી ઔપચારિક મંજૂરી મળ્યા પહેલાં જ અમલમાં મૂકી દેવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ભરતી પૂર્ણ થયા બાદ કેટલાક ચોક્કસ કર્મચારીઓની તાત્કાલિક ધોરણે પદફેર (ટ્રાન્સફર/પ્રમોશન) કરવા સામે પણ તપાસ લંબાઈ છે.
રાજકીય કિન્નાખોરીના આક્ષેપ: પૂર્વ ચેરમેન રસિકભાઈનો વિસ્ફોટ
બીજી તરફ, પદ પરથી હટાવાયેલા બેંકના પૂર્વ ચેરમેન રસિકભાઈ ભીંગરડીયાએ આ સમગ્ર કાર્યવાહી સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે સરકાર અને ભાજપના સ્થાનિક નેતાઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, અડધી રાત્રે એજન્ડા બહાર પાડીને ગેરકાયદે અને ઉતાવળિયા પગલાં ભરીને તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.
નોટિસની PDF
આ પણ વાંચો: Bhavnagar News : પરીક્ષા પછી ગુણ કેવી રીતે બદલાઈ ગયા? જાણો ભાવનગર બેંક ભરતી કૌભાંડમાં રજિસ્ટ્રારની નોટિસમાં શું નીકળ્યું!