ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ તપાસનો વ્યાપ વધારી વધુ 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ નવી કાર્યવાહી બાદ લઠ્ઠાકાંડમાં SMCના હાથે ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા 27 પર પહોંચી ગઈ છે. તપાસ દરમિયાન મધ્યપ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર આનંદ છાડી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રો-મટીરિયલ સપ્લાયર ઝડપાયો
લઠ્ઠાકાંડની તપાસમાં સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે SMC દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર આનંદ છાડીની ભૂમિકા સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા સપ્લાય નેટવર્ક, અન્ય સંડોવાયેલા લોકો અને સમગ્ર કડી સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આનંદ છાડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો
ઝડપાયેલા આરોપી આનંદ છાડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 12 આરોપીઓને પણ રિમાન્ડ મેળવવાની માંગણી સાથે બપોર બાદ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ મહત્વની વિગતો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અત્યાર સુધી કુલ 27 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે
લઠ્ઠાકાંડમાં સતત ધરપકડો થતાં સમગ્ર મામલે તપાસ વધુ સઘન બની છે. અત્યાર સુધી કુલ 27 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને હવે આ કેસમાં દારુ કોને સપ્લાય કરવામાં આવ્યો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. SMCની કાર્યવાહીથી આગામી સમયમાં વધુ ધરપકડો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો : Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા