ચકચારી ભાવનગર લઠ્ઠાકાંડ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની તપાસ સતત અને કડક ચાલી રહી છે. ગત 18 ઓગસ્ટના રોજ ભાવનગર પંથકમાં સર્જાયેલા આ ભયાનક ઝેરી દારૂકાંડમાં 14 જેટલા વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે 70 થી વધુ લોકોને ગંભીર અસર થઈ હતી. આ સમગ્ર મામલે SMC ની ટીમે અગાઉ એક પોલીસ કર્મચારી સહિત કુલ 42 શખ્સોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. દરમિયાન, મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિતના 9 મુખ્ય આરોપીઓની વધુ પૂછપરછ માટે SMC દ્વારા કોર્ટમાંથી બે દિવસના ફરધર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, જે આજે સાંજે 4 વાગ્યે પૂરા થઈ રહ્યા છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો નેટવર્ક
ભાવનગરના વરતેજ વિસ્તારના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે સંકળાયેલા આ 9 આરોપીઓના રિમાન્ડ દરમિયાન SMC ની ટીમે ઝેરી દારૂ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ નેટવર્કના તાર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી જોડાયેલા હોવાનું ખુલ્યું છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરવામાં આવી છે, જેના આધારે આજે સાંજે તમામ 9 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
