ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક નજીક આવેલી 'મિલની ચાલી' વિસ્તારમાં નવા રસ્તાના નિર્માણ અર્થે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં રોડ બનાવવા માટે અડચણરૂપ બનતા ગેરકાયદે બાંધકામો પર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે પીળો પંજો ફેરવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મિલની ચાલીના વિસ્તારમાં પાકો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા અગાઉથી રજૂઆતો કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આખરે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અડચણરૂપ દબાણો દૂર કરાયા

મહાનગરપાલિકાના દબાણ હટાવ સ્ટાફ દ્વારા રોડના નિર્માણ માર્ગમાં વચ્ચે આવતા કાચા-પાકા બાંધકામોને દૂર કરીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરતા પહેલાં સંબંધિત કબજેદારો અને અડચણરૂપ દબાણકર્તાઓને નિયમ મુજબ અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી. રોડનું નિર્માણ કાર્ય ઝડપથી શરૂ થઈ શકે તે માટે તમામ ભૌતિક અવરોધો દૂર કરવામાં આવ્યા છે.

સ્થાનિકોનો તંત્ર સામે ગંભીર આક્ષેપ

બીજી તરફ, આ ડિમોલેશન કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ તંત્રની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા તેમને લેખિત કે મૌખિક રૂપે કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે નોટિસ આપવામાં આવી નહોતી. અચાનક જ દબાણ હટાવ ટીમ આવી પહોંચતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. નોટિસ આપવા મુદ્દે તંત્ર અને સ્થાનિકો વચ્ચે વિરોધાભાસી વાતો સામે આવતાં વિસ્તારમાં થોડા સમય માટે ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચું : Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...