ભાવનગર જિલ્લાને હચમચાવી મુકનાર લઠ્ઠાકાંડ અને ગેરકાયદેસર દારૂના કારોબાર સામેની તપાસમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. સિહોર પોલીસે ડુપ્લિકેટ દારૂની સપ્લાયના ગુનામાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપી હરદીપસિંહ મોરીને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હરદીપસિંહ મોરીએ થોડા સમય પહેલાં જ સિહોર તાલુકાના સર ગામ અને ભાવનગરના કમળેજ ગામના સ્થાનિક બુટલેગરોને નામચીન 'રોયલ સ્ટેગ' બ્રાન્ડના નામે ડુપ્લિકેટ દારૂની પેટીઓ સપ્લાય કરી હતી.

મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે કનેક્શન ખુલતાં પોલીસ તપાસ તેજ

ઝડપાયેલા આરોપી હરદીપસિંહ મોરીની સઘન પૂછપરછ દરમિયાન આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પકડાયેલા આરોપીનું કનેક્શન લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગૌતમ સોલંકી અને હરદીપસિંહ મળીને આ વિસ્તારમાં નકલી દારૂનું સપ્લાય નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ ડુપ્લિકેટ દારૂ ક્યાં તૈયાર કરવામાં આવતો હતો અને તેમાં અન્ય કયા કયા બુટલેગરો કે સપ્લાયરો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ

સિહોર પોલીસે આરોપી હરદીપસિંહ મોરીની અટકાયત કર્યા બાદ તેને નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આંતરરાજ્ય કે સ્થાનિક સ્તરે ચાલતા ડુપ્લિકેટ દારૂના આખા કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન હરદીપસિંહ પાસેથી દારૂના નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

આ પણ વાંચો : Gandhinaagr News : ‘ભૂતિયા વિદ્યાર્થીઓ’વાળી શાળાઓ સામે કડક કાર્યવાહી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની મોટી જાહેરાત