ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં મોટી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ બેંકની ચાર શાખાઓમાંથી 7 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ શાખાઓમાં તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસરનો સમાવેશ થાય છે. સાયબર ગઠિયાઓએ રવિવારે બેંકના સોફ્ટવેરને હેક કરીને બિનઅધિકૃત ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
વધુ નુકસાન ટાળવા માટેની કામગીરી શરૂ કરાઈ
ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ચાર શાખાઓમાં મોટી સાયબર ફ્રોડની ઘટના બની છે. જેના કારણે આ બેંકની તમામ શાખાઓમાં હાલમાં લેવડ દેવડ સહિતના કામો બંધ કરવામાં આવ્યા છે. બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે. સાયબર ફ્રોડની ઘટના બનતાં બેંકમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે અને વધુ નુકસાન ટાળવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. બેંકમાં સાયબર ફ્રોડની ઘટનાને લઈને ગ્રાહકોમાં પણ મોટી ચિંતા ઉભી થઈ છે.













