ભાવનગર જિલ્લાના જેસર પંથકમાંથી વન્યપ્રાણીઓની વધતી હિલચાલ અને તેનાથી સર્જાતા ભયના સમાચાર સામે આવ્યા છે. જેસર વિસ્તારમાં સિંહે પશુનું મારણ કર્યું હોવાનો એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક અનુમાન અને ચર્ચાઓ મુજબ આ વાયરલ વીડિયો જેસર તાલુકાના ઉગલવાણ ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાત્રિના અંધકારમાં સિંહ સીધો ગામની અંદર ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલા અથવા ફરેલા પશુને પોતાનો શિકાર બનાવ્યો હતો, જેના આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.
મોડી રાતે ગામમાં ઘૂસીને સિંહે કર્યો શિકાર
આ વીડિયો સામે આવ્યા બાદથી ઉગલવાણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ફફડાટ અને અસલામતની ભાવના ફેલાઈ ગઈ છે. રાત્રિના સમયે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે સિંહો જેવા ખૂંખાર વન્યપ્રાણીઓ સીધા વસ્તીવાળા વિસ્તારોમાં આવીને પશુઓનું મારણ કરતા હોવાથી લોકો પોતાના અને પોતાના પશુધનના રક્ષણ માટે ચિંતામાં મૂકાયા છે. અગાઉ પણ અનેકવાર જંગલી પ્રાણીઓ દ્વારા પશુઓનો શિકાર કરવાના બનાવો બન્યા છે, પરંતુ આ પ્રકારે લાઈવ વીડિયો વાયરલ થવાથી લોકોમાં ડર વધુ બેસી ગયો છે.
