ભાવનગરમાં અગાઉ બનેલા લઠ્ઠાકાંડ બાદ હવે બુટલેગરો દ્વારા દરિયાઈ માર્ગે ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે વિદેશી દારૂ ઘુસાડવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પોલીસે ઘોઘા જકાતનાકા ચોકડી પાસે સઘન વોચ ગોઠવીને દમણથી ટ્રકમાં ભરીને લવાતો રૂ.28.72 લાખની કુલ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડી સફળ કાર્યવાહી કરી છે.ઘોઘા જકાતનાકા ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન શંકાસ્પદ મહારાષ્ટ્ર પાસિંગનો ટ્રક ત્યાંથી પસાર થતો જણાયો હતો.પોલીસે આ ટ્રકને અટકાવીને તેની અંદર સઘન તપાસ હાથ ધરી હતી.
વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો
પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન વાહનની જડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ટ્રકની અંદરથી વિદેશી દારૂની કુલ 86 પેટીઓ કબજે કરવામાં આવી હતી.આ પેટીઓમાંથી વિદેશી દારૂના 4,128 ક્વાર્ટર મળી આવ્યા હતા.આ ઉપરાંત વાહનમાંથી બિયરની 185 પેટીઓ પણ મળી આવી હતી. બિયરની આ પેટીઓમાંથી કુલ 4,440 ટીન જપ્ત કરવામાં આવ્યા હતા.જપ્ત કરાયેલા આ દારૂ અને બિયરની કિંમત રૂ.21,12,000 આંકવામાં આવી છે.પોલીસે હેરાફેરીમાં વપરાયેલો રૂ.7.50 લાખનો ટ્રક પણ જપ્ત કર્યો હતો.ડ્રાઇવર પાસેથી રૂ.10,000ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.પોલીસે કુલ મળીને રૂ.28,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે 41 વર્ષીય ટ્રકચાલક સૈફઅલીખાન મોહમદમુસા ખાનની ધરપકડ કરી છે.
