ભાવનગર જિલ્લાના ભીકડા ગામે એક હૃદયદ્રાવક અને કંપારી છૂટે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધના કારણે એક 22  વર્ષીય યુવતીની તેના સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.


ભાવનગરમાં પ્રેમ સંબંધમાં યુવતીની હત્યા 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવતીનું નામ પારૂલ હતું, જેને સિહોર ખાતે રહેતા વિવેક નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા લગભગ એક વર્ષથી પારૂલ અને વિવેક ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં હતા અને આ જ પ્રેમ પ્રકરણ હત્યાનું મુખ્ય કારણ બન્યું હતું. પારૂલે પ્રેમી વિવેક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે તેના પરિવારને મંજૂર નહોતી.

વરતેજ પોલીસે આરોપી માતા પુત્રની ધરપકડ કરી

મૃતક પારૂલને તેની માતા અને ભાઈ દ્વારા અવાર-નવાર સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ યુવતી પોતાની વાત પર અડગ રહી હતી અને પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. આ મુદ્દે પરિવારમાં સતત ઝઘડાઓ થતા હતા. આખરે, તારીખ ૧૮-૧૦-૨૦૨૫ ના રોજ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને માતા દયાબેન સરવૈયા અને ભાઈ પ્રકાશ સરવૈયાએ મળીને પારૂલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ પોતાનું પાપ છુપાવવા માટે આરોપી માતા અને પુત્રએ અમાનવીય કૃત્ય આચર્યું હતું. તેમણે મૃતક દીકરીની લાશને પ્લાસ્ટિકના તાડપત્રીમાં વીંટાળી અને નજીકમાં આવેલા ચેકડેમમાં ફેંકી દીધી હતી, જેથી ગુનો છુપાવી શકાય.

22 વર્ષીય પારુલને શિહોરના યુવક જોડે હતો પ્રેમસબંધ

સમગ્ર બનાવની જાણ થતાં મૃતક દીકરીના પિતા દ્વારા જ તેમની પત્ની દયાબેન સરવૈયા અને દીકરો પ્રકાશ સરવૈયા વિરુદ્ધ વરતેજ પોલીસ મથક ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે વરતેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ક્રૂરતા આચરનાર બંને આરોપી માતા-પુત્રની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આ ડબલ મર્ડર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હત્યાના ચોક્કસ કારણો તથા અન્ય સંડોવણી અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનાએ પારિવારિક સંબંધો અને પ્રેમ સંબંધોના પરિણામો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

  • Follow us on: