સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો કાયદો અને વ્યવસ્થાને કઈ રીતે ટાંચણે મૂકી રહ્યા છે તેનું તાજું ઉદાહરણ ભાવનગર જિલ્લાના પાલીતાણાથી સામે આવ્યું છે. પાલીતાણા શહેરમાંથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવકે જાહેર રોડ વચ્ચે વચ્ચ ખુરશી મૂકીને ભારે ટ્રાફિકજામ કરી દીધો હતો. ટ્રાફિકના વચ્ચેના રસ્તે બેસીને ફિલ્મી ડાયલોગ કે ગીતો પર રીલ બનાવવાની આ ઘટનાથી સામાન્ય રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચાલુ કાર સામે ખુરશી ફેંકતો જોખમી સ્ટંટ કર્યો

વાયરલ થયેલા આ વિવાદાસ્પદ વીડિયોમાં યુવક પ્રખ્યાત મૂવીના 'ખલનાયક' ગીતની ધૂન પર જાહેરમાં બેફામ હરકતો કરતો નજરે પડે છે. એટલું જ નહીં, તેણે હદ તો ત્યારે કરી જ્યારે સામેથી આવી રહેલી એક ચાલુ કારની સામે અચાનક ખુરશી ફેંકીને જીવલેણ સ્ટંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારના જોખમી સ્ટંટ્સ માત્ર ખુદના જીવન માટે જ નહીં પરંતુ રસ્તા પર પસાર થતા અન્ય નિર્દોષ નાગરિકોના જાનમાલ માટે પણ મોટું જોખમ ઊભું કરે છે. અગાઉ પણ આ જ યુવકના આવા અનેક રીલ્સ વાયરલ થઈ ચૂક્યા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો, 

જાહેર રસ્તાઓ પર આ પ્રકારે કાયદો હાથમાં લઈને સ્ટંટબાજી કરવાની આ ઘટનાએ પાલીતાણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ અને ટ્રાફિક વ્યવસ્થા હોવા છતાં બેખોફ બનેલા આવા શખ્સો પોલીસ વહીવટી તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. આ મામલો ધ્યાને આવતા જ પાલીતાણા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને સાયબર ક્રાઇમ / સોશિયલ મીડિયા સેલ દ્વારા વીડિયોની સત્યતા ચકાસીને આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gir Somnath News : હર હર મહાદેવના જયઘોષથી ગુંજ્યું સોમનાથ મંદિર, નવા વર્ષે લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શનનો લહાવો