કચ્છના ભુજ ખાતે આવેલી કોર્ટના પરિસરમાં જૂની અદાવતને લીધે એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. કોર્ટ જેવા અત્યંત સુરક્ષિત અને સંવેદનશીલ સ્થળે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જૂની વૈમનસ્યનું વેર રાખીને હુમલાખોરે સરેઆમ છરીના ઘા મારીને યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે કોર્ટ સંકુલમાં હાજર લોકોમાં ભય અને સનસનાટીનો માહોલ સર્જાયો હતો.

DySP અને PI ની હાજરી માં થઇ ઘટના

આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે કોર્ટ પરિસરમાં જ DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે જ હુમલાખોરે હિંમત દાખવીને યુવક પર હુમલો કરી દીધો હતો. ઘટના બનતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર અર્થે તુરંત જ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હુમલાખોર શખ્સની સ્થળ પરથી અટકાયત

કોર્ટ જેવા હાઇ-સિક્યોરિટી ઝોનમાં સરેઆમ હિંસક હુમલો થતાં જ લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે સમયસૂચકતા દાખવીને હુમલો કરનાર શખ્સને સ્થળ પરથી જ દબોચી લીધો હતો અને તેની અટકાયત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જોકે, કાયદાના ધામમાં અને પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે જ શસ્ત્ર સાથે પ્રવેશીને આ પ્રકારનો હુમલો આચરવામાં આવતાં કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : Gujarat News : લાલચોળ સોસ પાછળ નફાખોરીનો ખેલ? ગુજરાતમાં નકલી સોસના કારોબારથી ખળભળાટ