ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે ગામડાના ભોળા માણસોને ઠગતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. આવી જ એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. કચ્છમાં ધંધામાં બરકત લાવવી, ઘરની નડતર દૂર કરવી અને દુઃખ તકલીફમાંથી મુક્તિ અપાવવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડવાતા ત્રણ આરોપીને પધ્ધર પોલીસે ઝડપી પાડયા છે.
ઠગાઈ આચરતી ત્રિપુટી ઝડપી પાડવામાં આવી
કચ્છ પોલીસે તાંત્રિક વિધિના નામે લોકો સાથે ઠગાઈ આચરતી ત્રિપુટી ઝડપી પાડવામાં આવી છે. આરોપીઓમાનો એક ઈસમ સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરીને તેમના ઘરમાં પ્રવેશી નડતર દૂર કરવાના નામે ઠગાઈ આચરતો હતો. પધ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક મારુતિ અલ્ટો કારમાં ત્રણ શંકાસ્પદ ઈસમો ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વાહન રોકી તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ અલગ અલગ ગામોમાં જઈ લોકોનો સંપર્ક કરતા હતા.
આરોપી વિશેષ શક્તિઓ હોવાનો ભાસ ઉભો કરતો
જેમાંથી એક ઈસમ સ્ત્રીનો વેશ ધારણ કરી પોતાની પાસે વિશેષ શક્તિઓ હોવાનો ભાસ ઉભો કરતો હતો. ત્યારબાદ લોકોના ધંધામાં બરકત નથી આવતી, ઘરમાં નડતર છે અથવા દુઃખ તકલીફો છે તેવી વાતો કરી વિશ્વાસમાં લેતા હતાં. આરોપીઓ બાદમાં ખાસ પૂજા-પાઠ અને તાંત્રિક વિધિ કરવાની જરૂર હોવાનું કહી લોકો પાસેથી રોકડ રકમ તેમજ કિંમતી વસ્તુઓ મેળવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ત્રિપુટીને રોકડ, કાર, મોબાઈલ, શ્રીફળ, ઘી સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી છે.
અરવિંદનાથ પરમાર સમગ્ર ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ
ઝડપાયેલા આરોપીમાં અરવિંદનાથ પરમાર સમગ્ર ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવે અને તેના સામે રાજકોટ, ગોંડલ, મોરબી, પડધરી, ગાંધીનગર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયેલા છે. હાલ પોલીસે અરવિંદનાથ પરમાર, બળવંત હીરાલાલ વાદી , પરબત નથુભાઈ રાઠોડના રિમાન્ડ મેળવી આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ