અમદાવાદના શીલજ સર્કલ અને બોપલ વિસ્તારમાં રેન્જ રોવર કારથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ આ સમગ્ર મામલે પોલીસની તપાસ અને કાર્યવાહી સામે અનેક શંકાસ્પદ સવાલો ઊભા થયા છે. અકસ્માત કરનાર આરોપી રાઘવેન્દ્ર કુશવાહ (જે બાપુનગરના ધારાસભ્યનો ભત્રીજો છે) ની ધરપકડ તો કરવામાં આવી, પરંતુ તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરી દેવામાં આવતા કાયદાકીય પ્રક્રિયા સામે ભારે આશ્ચર્ય અને રોષ ફેલાયો છે. એક નાગરિકનું મૃત્યુ થયું હોવા છતાં આરોપી સામે આટલી હળવી કાર્યવાહી કેમ કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે.

નશાની હાજરી અંગે પોલીસના મૌનથી ઉઠ્યા પ્રશ્નો

આ કેસમાં સૌથી મોટો અને સંવેદનશીલ સવાલ એ ઊભો થયો છે કે અકસ્માત સમયે આરોપીએ નશો કર્યો હતો કે નહીં તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાઘવેન્દ્ર કુશવાહના બ્લડ ટેસ્ટ (લોહીના નમૂના) કરાવવામાં આવ્યા હતા કે નહીં અને જો કરાયા હોય તો તેનો રિપોર્ટ ક્યાં છે તે બાબતે પોલીસ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. જો આરોપીએ નશો કર્યો ન હતો તો તેની તપાસના પુરાવાઓ જાહેર કરવામાં પોલીસને શું વાંધો હોઈ શકે? અને જો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા જ ન હોય તો આ ગંભીર બેદરકારી બદલ જવાબદારી કોની બને છે? તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

મૃતકના પરિવારને ન્યાય અપાવવા નિષ્પક્ષ તપાસની માંગ

યુવકના મોત જેવી કરુણ ઘટનામાં ન્યાય માટે તપાસની પારદર્શિતા સૌથી પાયાની જરૂરિયાત છે, પરંતુ ગ્રામ્ય પોલીસની આ શંકાસ્પદ કામગીરીએ તપાસમાં કોઈ દબાણ કે કચાશ રહી હોવાની આશંકાઓને બળ પૂરું પાડ્યું છે. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ, પરંતુ રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ સામે નરમ વલણ અપનાવવામાં આવતું હોય તેવી છાપ ઉપસી રહી છે. મૃતકના પરિવારને યોગ્ય અને નિષ્પક્ષ ન્યાય મળે તેમજ મેડિકલ પુરાવાઓ અને બ્લડ ટેસ્ટ અંગે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Vadodaraમાં એરફોર્સનો શૌર્યસભર નજારો, હરણી એરફીલ્ડ પર જવાનોએ હવામાં બતાવ્યા અકલ્પનીય કરતબ