બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી. ડી. આહિર અને ટીમે ચોકસાઈ પૂર્વકની કામગીરી કરીને લૂંટના ઈરાદે ભેગી થયેલી ખતરનાક ટોળકીને ઝડપી છે. મહત્વની વાત એ છે કે, આરોપીઓના ગુનાહિત ઈતિહાસ ધરાવતા અનેક રેકોર્ડ છે અને તેઓ આંગડિયા પેઢી કે જ્વેલર્સ જેવી હાઈ વેલ્યુ જગ્યા પર લૂંટ કરવા માટે તૈયારી કરી રહ્યા હતા.


પોલીસને શંકા જતા કાર ચેક કરી અને હથિયાર ઝડપાયા

ઢસા પોલીસ નાઈટ રાઉન્ડ દરમિયાન ઢસા ગામના રસનાળ રોડ નજીક પોલીસને એક સફેદ રંગની મારૂતી સુઝુકી બ્રેઝા શંકાસ્પદ રીતે ઊભેલી જોવા મળી. પોલીસ બેદરકારી રાખ્યા વિના તત્કાલ ગાડીને ચેક કરી, તો તેમાં બેઠેલા ચાર શખ્સો ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યા અને તપાસ દરમ્યાન વોટસએપથી તેઓ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું હતુ, જ્યારે એક શખ્સ અન્ય સાથીઓ સાથે સંપર્કમાં હોવાનું જણાયું, ત્યારબાદ પોલીસે તાત્કાલિક બીજી ટીમ ઉમરડા રોડ પર મોકલી અને ત્યાંથી શંકાસ્પદ સ્વિફ્ટ કાર અને તેમાં બેઠેલા વધુ બે ઇસમોને પણ ઝડપી લીધા.

મોડસ ઓપરેન્ડી અને પ્લાનિંગ

આ તમામ આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે એડવાન્સ સાથે કાર્યરત હતા. તેઓ જુદી-જુદી જગ્યાના રહેવા છતાં પણ પરસ્પર સંપર્કમાં રહી, જુદી-જુદી કારોમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિસ્તારમાં ચક્કર મારી રહ્યા હતા. વધુમાં પોલીસને મળેલા મટિરિયલ્સમાં છરી, લોખંડની લાકડી, સ્ટીલનું પંચ, અને સ્ત્રીઓના વેશભૂષા જેવા કપડાં (બુરખા, દુપટા) પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ ભોળા લોકોને ભ્રમિત કરવા કે છુપાવા માટે થતો હોવાનો શંકાસ્પદ છે.

પકડાયેલા આરોપીઓની વિગત:

• મેહુલસિંહ જશુભા ડાભી (ઉ.વ. 25) – રહે: પેથાપુર, જી. ગાંધીનગર
• ચરણભા ઉર્ફે લાલભા વાઘેલા (ઉ.વ. 28) – રહે: આંગનવાડા ગામ, જી. બનાસકાંઠા
• દીવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ રાજપુત (ઉ.વ. 21) – રહે: ચંદ્રાવતી, જી. પાટણ
• મંગુભા દશુભા જાલા (ઉ.વ. 28) – રહે: આંગનવાડા, જી. બનાસકાંઠા
• દિપકસિંહ ડાભી (ઉ.વ. 29) – રહે: પેથાપુર, જી. ગાંધીનગર
• વિશાલસિંહ હીરસિંહ પરમાર (ઉ.વ. 24) – રહે: પેથાપુર, જી. ગાંધીનગર.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે
પકડાયેલા આરોપીઓના વિરૂદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે
• હિંમતનગર B Division,
• દેત્રોજ પોલીસ સ્ટેશન,
• શિહોરી (બનાસકાંઠા),
• ડીસા (બનાસકાંઠા),
• શિહોર (ભાવનગર),
• તેમજ મુંબઈ (મહારાષ્ટ્ર) સુધી તેમના વિરૂદ્ધ લૂંટના કેસ નોંધાયેલા છે.

પોલીસને મોબાઈલના મેસેજ પરથી વધુ પુરાવા મળી શકે છે
પોલીસે 5210 રૂ. રોકડા, મોબાઈલ નંગ 5, કાર- 2, નંબર પ્લેટ-2, લોખંડની કુંડળીવાળી લાકડી, સ્ટીલનું મજબુત પંચ, છરી, તેમજ મુસ્લીમ ધર્મની સ્ત્રીઓની વેશભુષાનો પોશાકનાં કપડા મળી કુલ રૂ. 6.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં વધુ લોકો સંડોવાયેલ હોવાની શક્યતાઓ છે. પોલીસના જણાવ્યા મુજબ મોબાઈલ અને મેસેજ ડેટા પરથી વધુ કડીઓ મળી શકે છે અને તપાસ ચાલુ છે. આરોપીઓના કનેક્શન અન્ય રાજ્યોમાં પણ હોઈ શકે છે તેવી પોલીસને શંકા છે જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે..

  • Follow us on: