બોટાદમાં કથિત રૂ.1 કરોડના ‘તોડકાંડ’ મામલે તપાસ સોંપાયા બાદ હવે તપાસની નિષ્પક્ષતા સામે જ સવાલો ઊભા થયા છે. કોળી સમાજના આગેવાનો દ્વારા કથિત તોડકાંડ સ્થાનિક સ્તરે થયો હોવાના આક્ષેપો વચ્ચે તપાસ પણ સ્થાનિક અધિકારીને સોંપાતા સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે SITની રચના અથવા બાહોશ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે.
SPએ તપાસ સોંપી, પણ હવે ઉઠ્યો મોટો સવાલ
કથિત એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે બોટાદના SP દ્વારા DySP મહર્ષિ રાવલને તપાસ સોંપવામાં આવી છે. જોકે, શ્રી જય માંધાતા ગ્રૂપ બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ જમોડે તપાસની પ્રક્રિયા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
તપાસની તટસ્થતા અંગે પ્રશ્નો
તેમના જણાવ્યા મુજબ, જો ઘટના સ્થાનિક સ્તરે બની હોવાના આક્ષેપો છે અને તેની તપાસ પણ સ્થાનિક અધિકારી કરશે, તો તપાસની તટસ્થતા અંગે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે.
સરકાર સમક્ષ નામોની રજૂઆત, SITની પણ માંગ
સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલાની તપાસ માટે ગગનદીપ ગંભીર, નિર્લિપ્ત રાય અથવા પ્રેમસુખ ડેલુ જેવા બાહોશ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ મામલાની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવાની પણ માંગ ઉઠી છે.
રૂ.1 કરોડ કે આંકડો આનાથી પણ મોટો?
મયુરભાઈ જમોડના જણાવ્યા મુજબ, મામલો માત્ર એક વ્યક્તિ અથવા રૂ.1 કરોડ પૂરતો સીમિત નથી. રૂ.1 કરોડથી વધુના કથિત નાણાકીય તોડકાંડની પણ ચર્ચા થઈ રહી હોવાનો તેમણે દાવો કર્યો છે. છેલ્લા એક વર્ષથી આ મામલે વાતચીત ચાલી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
સ્થાનિક તપાસ સામે સવાલ, હવે સરકાર શું કરશે?
હવે સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક આક્ષેપોની તપાસ સ્થાનિક અધિકારી કરશે તો તપાસ ખરેખર નિષ્પક્ષ રહી શકશે? સમાજની SIT અને બાહોશ અધિકારી દ્વારા તપાસની માંગ વચ્ચે સરકાર અને પોલીસ તંત્ર શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર છે.
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું