બોટાદ જિલ્લામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવાના ષડયંત્રનો ઢસા પોલીસે પર્દાફાશ કર્યો છે. ઢસા પોલીસે કડક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા ૬ શખ્સોની એક ખતરનાક ટોળકીને ઝડપી પાડી છે, જે કોઈ મોટી લૂંટને અંજામ આપવાની ફિરાકમાં હતી.


બોટાદમાં લૂંટ પહેલા જ આરોપીઓ ઝડપાયા 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઢસા પોલીસની ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બે ફોરવ્હીલર કારમાં શંકાસ્પદ હિલચાલ સાથે જણાતા પોલીસે તેમને અટકાવી પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને આ શખ્સોની ગતિવિધિઓ પર શંકા ગઈ હતી, જેથી તમામને વધુ પૂછપરછ માટે પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

ઢસા પોલીસે 6 શખ્સોની કરી ધરપકડ 

પોલીસે સઘન પૂછપરછ અને વાહનોની તલાશી લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ટોળકી બોટાદ જિલ્લામાં કોઈ મોટી લૂંટ કરવાના ઈરાદાથી આવી હતી અને તેની તૈયારીઓ કરી રહી હતી. પોલીસે કારમાંથી લૂંટને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાતા હથિયારો – છરી, લોખંડની લાકડીઓ, પંચ તેમજ ગુનાને અંજામ આપતી વખતે છદ્માવરણ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા સ્ત્રીઓના પોશાક પણ કબ્જે કર્યા હતા.

શંકાના આધારે કડક પૂછપરછ કરતા થયો ખુલાસો 

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ટોળકી લૂંટને અંજામ આપતા પહેલા પોતાની કાર પર ખોટી નંબર પ્લેટ લગાવતી હતી, વિસ્તારની રેકી કરતી હતી અને ત્યારબાદ લૂંટ કરતી હતી. પોલીસે આ 6 શખ્સો – મેહુલસિંહ જશુભા ડાભી, ચરણભા ઉર્ફે લાલભા વાઘેલા, દીવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ રાજપૂત, મંગુભા દશુભા ઝાલા, દિપકસિંહ ડાભી અને વિશાલસિંહ હીરસિંહ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

6.70 લાખનો મુદ્દામાલ જપ્ત 

ઢસા પોલીસે બે ફોરવ્હીલર કાર, છરી, લોખંડની લાકડીઓ, સ્ત્રીઓના પોશાક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹ 6.70 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ટોળકી અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલી છે અને કઈ જગ્યાએ લૂંટને અંજામ આપવાની હતી તે અંગે ઢસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમયસર કાર્યવાહી કરીને જિલ્લામાં સંભવિત મોટી ગુનાહિત ઘટનાને અટકાવી છે.

  • Follow us on: