વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં ફેસબુક કોમેન્ટને લઈને ભાજપના જ બે જૂથો વચ્ચે થયેલી છૂટ્ટા હાથની મારામારીનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જૂથ અથડામણ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કુલ 13 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાએ સ્થાનિક રાજકીય માહોલમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

ફેસબુક કોમેન્ટને લઇને વિવાદ 

મળતી વિગતો મુજબ, ફેસબુક પર કરવામાં આવેલી કોમેન્ટને લઈને બંને જૂથો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ વધતાં મામલો ઉગ્ર બન્યો અને ભાજપના જ બે જૂથોના લોકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. આ અથડામણમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી.

ભાજપના આ નેતાઓ સામે ફરિયાદ

પોલીસ ફરિયાદમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપ મહામંત્રી યતીન પટેલ ઉર્ફે પિન્ટુ સામે પણ ગુનો નોંધાયો છે. ભીલાપુરના ભાજપ અગ્રણી પરેશ પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

13 લોકો સામે રાયોટિંગનો ગુનો 

પોલીસે કુલ 13 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. મારામારીની ઘટનામાં 13 પૈકી 4 લોકોને ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ચારેય લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ શરુ

ફેસબુક કોમેન્ટ જેવા મુદ્દે શરૂ થયેલો વિવાદ ખુલ્લી મારામારી સુધી પહોંચતાં ભીલાપુરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં સામેલ તમામ લોકોની ભૂમિકા, મારામારી પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. 


આ પણ વાંચો   :      Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા