દાહોદ જિલ્લાના ઉછવાણ ગામેથી પસાર થતી પાનમ નદીના પટમાં મોટા પાયે ચાલી રહેલા કથિત ગેરકાયદેસર રેતી ખનન સામે રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની ટીમે લાલ આંખ કરી છે. STF ની ટીમે ગુપ્ત બાતમીના આધારે પાનમ નદીના પટમાં સરપ્રાઈઝ રેડ પાડીને બિનઅધિકૃત રીતે રેતીનું ઉત્ખનન કરી રહેલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના રેતી માફિયાઓ અને ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

કરોડોનો મુદ્દામાલ જપ્ત, મશીનો પંચાયતને સોંપાયા અને ડમ્પર પીપલોદ ખસેડાયા

દરોડા દરમિયાન STF ની ટીમે સ્થળ પરથી રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા 2 ભારે અતિઆધુનિક હિટાચી મશીન તેમજ રેતીની હેરાફેરી માટે વપરાતા 11 જેટલા હાઇવા ડમ્પરો જપ્ત કર્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરવામાં આવેલા વાહનો અને મશીનરીની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. સક્ષમ અધિકારીઓ દ્વારા 2 હિટાચી મશીનોને સ્થાનિક ગ્રામ પંચાયતની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે, જ્યારે 11 હાઇવા ડમ્પરોને પીપલોદ ખાતે ખસેડીને કાયદેસરની સીઝીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક તંત્રની ભૂમિકા સામે સવાલો અને અધિકારીઓનું મૌન

પાનમ નદીમાંથી આટલા મોટા પાયે કરોડો રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવા છતાં સ્થાનિક ખાણ-ખનિજ વિભાગ કે પોલીસ તંત્રને તેની જાણ કેમ ન થઈ તે અંગે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, દરોડાની આટલી મોટી સફળતા બાદ પણ રેડ કરનાર અધિકારીઓ કેમેરા કે મીડિયા સમક્ષ કાંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે અને મીડિયાથી દૂર રહેતા જોવા મળ્યા છે. અધિકારીઓની આ મૌન જાળવવાની નીતિને કારણે સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આ પણ વાંચો : Ahmedabadની જીવન સાધના સ્કૂલમાં બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, ગાળો બોલવા મામલે વિદ્યાર્થીનીઓ પર હુમલો!