દાહોદ જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. દાહોદના કરંબા ગામે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ખૂની ધીંગાણું મચી ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, આ સમગ્ર વિવાદ પાછળ 3 મહિના અગાઉ થયેલા એક વાહન અકસ્માતની અદાવત મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. જૂના મનદુઃખનો બદલો લેવા માટે બંને પક્ષના લોકો આમને-સામને આવી ગયા હતા અને ગામમાં ભારે અફરાતફરી તથા તણાવનો માહોલ સર્જાઈ ગયો હતો.
ગામમાં પોલીસ છાવણી જેવું વાતાવરણ
આ હિંસક અથડામણની જાણ થતાં જ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસની 112 (Emergency Response Support System) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ઉત્તેજિત ટોળાએ કાયદાની કોઈ પરવા કર્યા વગર પોલીસ ટીમ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે પોલીસ વાહનોને પણ નુકસાન પહોંચ્યાની આશંકા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને ASP (એડિશનલ એસપી), DYSP (નાયબ પોલીસ અધિક્ષક), LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની કુશળ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
