અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં આવેલા ખરાંટી ગામે એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 35 વર્ષીય દેવીપૂજક યુવાન કેતનભાઇ આત્મારામભાઈ બાકરોલિયાનું તળાવના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો સહિત સમગ્ર ખરાંટી ગામમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે અને પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ છે.

બે દિવસ બાદ તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ

પ્રાપ્ત વિગતો અનુસાર યુવાન છેલ્લા બે દિવસથી ગુમ હતો અને આજે સવારે સ્થાનિક લોકોએ તળાવના પાણીમાં તેનો મૃતદેહ તરતો જોયો હતો. ગ્રામજનોએ તુરંત જ આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોળકા ફાયર બ્રિગેડની ટીમ અને કોઠ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરની ઈમરજન્સી વાન મારફતે મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો.

કોઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ દુઃખદ અકસ્માત અંગે કોઠ પોલીસ મથકના સ્ટાફે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન તળાવમાં કઈ પરિસ્થિતિમાં ડૂબ્યો તે અંગે ગામના લોકો તેમજ પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. એક નાની વયના યુવાનના આકસ્મિક અવસાનથી ખરાંટી ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

આ પણ વાંચો : Weather Update : સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર