દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક આવેલા બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં પોલીસે ફરી એક વખત દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડીને મોટા જથ્થામાં દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો છે. ભાણવડ પોલીસ દ્વારા બરડા ડુંગરના ધ્રામણી નેશથી વી નેશ તરફ જવાના રસ્તા પરના અવાવરું જંગલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 100 લિટર જેટલો તૈયાર દેશી દારૂ અને 1000 લિટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો.
પોલીસે 25,000નો મુદ્દામાલ કર્યો જપ્ત
જપ્ત કરાયેલા આ આથાની અંદાજિત કિંમત રૂ. 25,000 જેટલી ગણવામાં આવે છે. પોલીસે સ્થળ પર જ તમામ 1000 લિટર આથાનો નાશ કર્યો હતો. જોકે દરોડાની જાણ થતાં જ દારૂની ભઠ્ઠી ચલાવનારો મુખ્ય આરોપી ભીમા પરબત મોરી જંગલનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા વારંવાર બરડા ડુંગરના આ જંગલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવે છે. પરંતુ દર વખતે આરોપીઓ રેડ પડે તે પહેલાં જ ફરાર થઈ જાય છે.













