ગઢડા તાલુકામાં આવેલા સીતાપર ગામે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધ મહિલા પર જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધાને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતાં.પોલીસે આ ઘટનાની તપાસમાં આરોપીને ઝડપી પાડ્યો છે.


સીતાપર ગામમાં વૃદ્ધા પર જીવલેણ હુમલો થયો હતો

ગઢડાના સીતાપર ગામમાં મોડી રાત્રિના સમયે વૃદ્ધ મહિલા પોતાના ઘરે સૂતા હતા. આ શાંતિના માહોલ વચ્ચે, અજાણ્યા શખ્સો લૂંટ કરવાના બદઇરાદાથી તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે વૃદ્ધા પર હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ અજાણ્યા શખ્સો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.હુમલાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડ્યા હતાં. આ ગંભીર ગુનાની જાણ થતાં જ ઢસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત જ સીતાપર ગામે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આસપાસના લોકો તથા પરિવારજનોના નિવેદનો લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે હુમલો કરનાર આરોપીને ઝડપી પાડ્યો

પોલીસે તપાસ દરમિયાન વૃદ્ધા પર હુમલો કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. વૃદ્ધા પર હુમલો કરનાર બીજો કોઈ નહીં પણ તેમનો સગો ભત્રીજો નીકળ્યો છે. પોલીસે આરોપી કાનજી ઉર્ફે કાન્તિ સતાણીની ધરપકડ કરી છે. ગત ત્રીજી નવેમ્બરે લૂંટના ઈરાદે આરોપીએ સગા કાકી પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ડોગ સ્કવોર્ડ દ્વારા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આરોપીએ દેવુ થઈ જતા તેના કાકીએ કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછમાં કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.


  • Follow us on: