ભાવનગરના ચર્ચિત વિદેશી દારૂ લઠ્ઠાકાંડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ કાંડના તાર અમદાવાદ અને મધ્યપ્રદેશ સુધી જોડાયેલા છે.
અમદાવાદથી કેમિકલનું પાર્સલ મેળવીને ભાવનગર ગયા
મળેલી માહિતી મુજબ ઉજ્જૈનના રહેવાસી રઈશ અને ઝુબેર, મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે ગાડી લઈને અમદાવાદ આવ્યા હતા અને 'ગુજરાત ટ્રાન્સપોર્ટ'ના ગોડાઉનમાંથી કેમિકલનું પાર્સલ મેળવીને ભાવનગર લઈ ગયા હતા. આ નરાધમોએ ઝેરી દારૂ બનાવવા માટે ખાસ કરીને મધ્યપ્રદેશથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર'ને બોલાવ્યો હતો.
આરોપીઓએ કુલ 3 વખત દારૂ બનાવવાનો પ્રયાસ કર્યો
આરોપીઓએ કુલ ૩3વખત દારૂ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં બનેલી 51 પેટી દારૂનું ગૌતમ અને તેના સાળાએ વેચાણ કર્યું હતું. બીજી વાર બનાવેલો દારૂ ખરાબ થતાં તેનો નાશ કરાયો હતો, જ્યારે ત્રીજી વાર મિથેનોલ ભેળવીને 25 પેટી ઝેરી દારૂ તૈયાર કરાયો હતો, જેને બજારમાં વેચી દેવાતાં લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
ધોલેરામાંથી શૈલેષ મેર નામના શખ્સ પાસેથી 'રોયલ સ્ટેગ'ની 24 બોટલો કબજે
બીજી તરફ, અમદાવાદ ગ્રામ્ય LCB એ ધોલેરામાંથી શૈલેષ મેર નામના શખ્સ પાસેથી 'રોયલ સ્ટેગ'ની 24 બોટલો કબજે કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ભાવનગર કેસનો આરોપી જયદીપ મકવાણાએ આ જથ્થો ધોલેરા મોકલ્યો હતો. આ બોટલો ઝેરી છે કે કેમ તે ચકાસવા માટે પોલીસે તેને FSL માં મોકલી આપી છે. હાલ SMC અને ગ્રામ્ય LCB આ સમગ્ર નેટવર્કનું મૂળ શોધવા તપાસ ચલાવી રહી છે.
રઇસે જ ઝેરી દારુ બનાવાનો પ્લાન ઘડ્યો
મુખ્ય સુત્રધાર રઇસે જ ઝેરી દારુ બનાવાનો પ્લાન ઘડ્યો હતો. રઇસ કોના કોના સંપર્કમાં હતો તેની તપાસ ચાલી રહી છે . તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો છે
SMCના એસપી મયુરસિંહ ચાવડાની પ્રેસ કોન્ફરન્સ
ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના એસ.પી. મયુરસિંહ ચાવડાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ ઝેરી દારૂ (લઠ્ઠો) ભાવનગરમાં જ ગૌતમના ઘરે બનાવવામાં આવ્યો હતો. આ કાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ છે, જે છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં રોકાયો હતો અને તેણે જ આ સમગ્ર ઝેરી દારૂ બનાવવાનો પ્લાન ઘડ્યો હતો. દારૂ બનાવવા માટેનું રો-મટીરીયલ અને મિથેનોલ બીજા રાજ્યોમાંથી મંગાવવામાં આવ્યું હતું.
https://twitter.com/sandeshnews/status/2090338896001552893
નરેન્દ્રસિંહ યાદવે મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો
SMC ના એસ.પી.એ વધુમાં જણાવ્યું કે, મધ્યપ્રદેશથી આવેલા નરેન્દ્રસિંહ યાદવે મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો, જોકે આ ઝેરી દારૂ પીવાથી નરેન્દ્રસિંહનું પોતાનું પણ મોત નીપજ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં કાચો લઠ્ઠો પણ જપ્ત કર્યો છે. FIR માં કુલ 21 આરોપીઓના નામ છે, જેમાંથી ઝડપાયેલા 13 આરોપીઓને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ થયો છે, પરંતુ પૂરાવા નાશ કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે.
અનેક જિલ્લાઓમાં તપાસ
હાલ SMC ની અલગ-અલગ ટીમો ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત આરોપીઓ જે પણ રાજ્યોમાં ગયા હતા ત્યાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. મુખ્ય સૂત્રધાર રઈસ કોના-કોના સંપર્કમાં હતો તેની કોલ ડિટેલ્સ અને નેટવર્ક ફંફોસવામાં આવી રહ્યું છે. ગુનેગારોને કડાકામાં કડક સજા થાય તે માટે SMC દ્વારા મજબૂત કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Sandesh Indepth : દારૂમુક્ત ગુજરાતનો ફ્લોપ શો: કરોડોનો દારૂ, નકલી ફેક્ટરીઓ અને 'ખાખી'ની ખામોશી