ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાં એક અત્યંત કરુણ અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં 9 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી છે. બનાવની વિગતો મુજબ, ગામમાં રહેતા અને GIDCમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા પિતાની 9 વર્ષ 11 મહિનાની બાળકી ગત બુધવાર, 12 નવેમ્બર 2025ની બપોરે પોતાના ઘર પાસેથી ગુમ થઈ હતી.


 રાયપુરમાં માસુમ બાળકીની હત્યા 

બાળકી ગુમ થતાં તેના પરિવારે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તથા પરિવારના સભ્યો દ્વારા તેની સઘન શોધખોળ ચાલી રહી હતી.જોકે, ગુમ થયાના એક દિવસ બાદ, ગુરુવાર, 13 નવેમ્બર 2025ની રાત્રે, બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 દુષ્કર્મ અને હત્યાની શંકા

પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરી છે કે બાળકીના પાડોશીએ જ તેની સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી અને લાશને કોથળામાં નાખી બાજુના ઘરના ઓસરીમાં નાખી દીધી હતી.

 શંકાસ્પદ ઇસમ રાઉન્ડ અપ

પોલીસે આ પ્રકરણમાં એક શંકાસ્પદ ઇસમને રાઉન્ડ અપ કર્યો છે અને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ચોંકાવનારી બાબત એ છે કે આ શંકાસ્પદ ઇસમ બાળકી ગુમ થઈ ત્યારથી તેના પિતા સાથે મળીને શોધખોળમાં મદદ કરી રહ્યો હતો. ડભોડા પોલીસે બાળકીની લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે.

  • Follow us on: