દહેગામના બહિયલમાં બબાલને લઈ પોલીસે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી છે, પોલીસે બબાલને લઈ 83 સામે નામજોગ ફરિયાદ નોંધી છે અને 1,500ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે 60થી વધુ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને મોડી સાંજે ઘટના સ્થળે લઈ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતુ, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે, સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા મામલે ફરિયાદ અને પોલીસે 60થી વધુ લોકોની કરી છે અટકાયત.
દહેગામના બહિયલમાં પથ્થરમારા બાદ શાંતિ
દહેગામના બહિયલમાં પથ્થરમારા બાદ શાંતિનો માહોલ છે, ગામમાં હજી પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ બંદોબસ્ત વચ્ચે નવરાત્રિની ઉજવણી કરાઈ છે, પોલીસના રક્ષણ વચ્ચે ગ્રામજનો ગરબે ઘૂમ્યા અને બહિયલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેના કારણે સ્થાનિકોને પણ રાહત થઈ છે.
બે કોમ સામસામે આવી જતાં પરિસ્થિતી બેકાબુ બની હતી
દહેગામના બહિયલમાં સોશિયલ મીડિયામાં મુકાયેલી એક ધાર્મિક પોસ્ટને લઇને બહિયલ ગામ આખુ ભડકે બળ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. વિવાદાસ્પદ પોસ્ટને લઈને બે જૂથ સામસામે આવી ગયા હતા. બહિયલના એક યુવકે તેના સોશિયલ મીડિયામાં એક ધાર્મિક સ્ટેટસ મૂક્યું હોવાને લઈને આ ઘટનાએ ઉગ્ર રુપ ધારણ કર્યુ હોવાની વિગતો છે. ટોળાં દ્વારા ગત ત્રીજા નોરતાની રાત્રિના સમયે ગરબા પર પથ્થરમારો, આગચંપી, તોડફોડ સહિતની ઘટના બની હતી. જેના પગલે માહોલ ગરમાઈ જવા પામ્યો છે. બે કોમ સામસામે આવી જતાં પરિસ્થિતી બેકાબુ બની હતી.
પોલીસના કાફલાને ચુસ્ત બંદોબસ્તમાં મુકી દેવામાં આવ્યો છે
હિંસક ટોળાં હથિયારો સાથે તુટી પડયા હતા અને ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફરિયાદીની ઝેરોક્ષની દુકાન સહિત અનેક દુકાનો સળગાવી દીધી હતી. તેમજ આઠથી વધુ ગાડીઓમાં તોડફોડ કરી હતી. ફરીયાદીના માથામાં લોખંડની પાઈપ મારીને જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ અન્ય ત્રણેક ઇસમો પથ્થરો વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. ટોળાને કાબુ કરવા માટે પોલીસે પાંચ રાઉન્ડ ટીયરગેસના શેલ છોડતા ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આગચંપી, દુકાનોમાં તોડફોડ તેમજ પોલીસના સરકારી વાહનો બે ગાડીઓ તેમજ આગ બુઝાવા માટે આવેલા ફાયર બ્રિગેડની ગાડી ઉપર પણ પથ્થરમારો કરાયો હતો અને કાચ તોડી નાખ્યા હતા.