નાગરિકોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ખોરાક મળી રહે તે હેતુસર ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સેન્ટ્રલ FSSAI દ્વારા દહેગામ તાલુકાના કડાદરા ખાતે વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાના અખાદ્ય કે શંકાસ્પદ પદાર્થો ઝડપાતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
35 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ
તપાસ દરમિયાન કડાદરા સ્થિત બે મોટી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
શ્રી શ્યામ વેગોફ્સ: અહીં તપાસ દરમિયાન લેબલ વગરના પેકેટ તથા ટેન્કમાંથી પામોલિન તેલના નમૂના લેવાયા હતા. કુલ 1,858 કિગ્રા પામોલિન તેલ (અંદાજિત કિંમત રૂ. 3,15,860) નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
શ્રી જોગી જલિયાણ ડેરી: અહીં FSSAI દ્વારા તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘી તથા વેજિટેબલ ફેટના નમૂના લેવાયા હતા. અંદાજે 7,000 કિગ્રા ઘી અને વેજિટેબલ ઓઈલ (અંદાજિત કિંમત રૂ. 32 લાખ) નો જથ્થો જપ્ત કરાયો છે.

ચારેય નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા
આ દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર એન. એમ. પરમાર અને ટીમ દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના કુલ 4 નમૂનાઓ (પામોલિન તેલ, ઘી અને વેજિટેબલ ફેટ) મેળવીને આગળની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

લેબ રિપોર્ટ બાદ કાયદેસરની સખત કાર્યવાહી
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર પેઢીઓ સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006' ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ સઘન ઝુંબેશ ચાલુ રહેશે.
આ પણ વાંચો: Gandhinagar News: આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા! પામોલીન તેલ અને કેમિકલથી બનતી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ