ગુજરાતમાંથી એક પછી એક અત્યંત સંવેદનશીલ અને ચકચારી ધમકીભર્યા સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે ગાંધીનગર ખાતે આવેલા મુખ્યમંત્રી કાર્યાલય (CM ઓફિસ) અને સચિવાલયને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી છે. આ માહિતી મળતાની સાથે જ રાજ્યના સુરક્ષા વર્તુળો, ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્વરિત પગલાં રૂપે ગાંધીનગર પોલીસ અને સુરક્ષા દળો સચિવાલય ખાતે દોડી ગયા હતા અને હાઈ એલર્ટ જાહેર કરીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
'ખાલિસ્તાન નેશનલ આર્મી'ના નામે મોકલાયો ઈમેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ધમકી અગાઉ હાઈકોર્ટને આવેલા ધમકીભર્યા ઈમેલ જેવી જ પેટર્નથી ઈમેલના માધ્યમથી મોકલવામાં આવી છે. આ મેસેજમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અગાઉની જેમ જ બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ચીમકી આપવામાં આવી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આ ધમકીમાં માત્ર ગુજરાતના મુખ્ય ઠેકાણાઓ જ નહીં, પરંતુ દેશના પવિત્ર ધાર્મિક સ્થળો જેવા કે અયોધ્યા, કાશી અને મથુરાનાં મંદિરોને પણ નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
