સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બોગસ (ફેક) કંપનીના નામે પેજ બનાવી લોકોને ફસાવતી એક મોટા ગજાની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે. શાતિર ઠગોએ રોકાણકારો તેમજ વેપારીઓને દર મહિને 20% જેટલું અધધ પ્રોફિટ આપવાની લાલચ આપીને કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બનાવવાની જાળ પાથરી હતી. આ લાલચમાં આવી ગયેલા અનેક લોકો પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 2.53 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવીને ઠગાઈ આચરવામાં આવી હતી.
સાવરકુંડલા-અમરેલીમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા
આટલી મોટી રકમની ઓનલાઈન છેતરપિંડી થતાં જ સાયબર સેન્ટરની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટના લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાયબર ટીમે દરોડો પાડીને સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાંથી બંને મુખ્ય આરોપીઓ કિશન સાવલિયા અને હાજા રાઠોડની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા ડિજિટલ સાધનો અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે.
