સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમના અનેક ગુનાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેમાં ડિજિટલ એરેસ્ટ અંગેના ગુનાઓનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો બનાવ ગાંધીનગરમાં સામે આવ્યો છે. આરોપીઓએ વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી 19 કરોડ પડાવ્યા છે. આ કેસમાં CID સાયબર સેલે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
CID સાયબર સેલે એક આરોપીની ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરમાં એક વૃદ્ધ મહિલા ડોક્ટરને ઈન્ટરનેશનલ અને ભારતની ગેંગ દ્વારા ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરાઈ હતી. તેને FEMA અને PMLA એક્ટ હેઠળ ઉઠાવી લેવાશે તેવા ધમકીભર્યા પત્રો મોકલાયા હતાં. આ મહિલાને તેના ફોનથી અપમાનજનક મેસેજ પોસ્ટ થાય છે તેમ કહીને ડરાવાઈ હતી. મહિલાને એટલી હદે ડરાવવામાં આવી હતી કે, તેના ઘરમાં પડેલા દાગીના વેચીને આરોપીઓએ પૈસા પડાવ્યા હતાં. આરોપીઓએ મહિલાને તમામ પાસાઓ પર પાયમાલ કરી નાંખવા સુધી પૈસા પડાવ્યા હતાં. શેર અને દાગીના વેચાવ્યા, લોન લેવડાવી આમ 19 કરોડ રૂપિયા પડાવ્યા હતાં.
જુદાજુદા રાજ્યોના બેંક એકાઉન્ટમાં પૈસા નંખાવ્યા
આ સમગ્ર ઘટનામાં ગાંધીનગર CID સાયબર સેલે 35 જેટલા શખ્સો સામે 16 જુલાઈએ ગુનો નોંધ્યો હતો. આ ગેંગે મહિલા પાસેથી 19.24 કરોડ પડાવ્યા હતાં. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં ડિજિટલ એરેસ્ટનો આ સૌથી મોટો કેસ છે. પોલીસે આ કેસમાં સુરતના આરોપી લાલજી બલજાણીયાની ધરપકડ કરી છે. આરોપીઓએ મહિલા પાસે જુદા જુદા રાજ્યોના બેંક એકાઉન્ટમાં પૈસા નંખાવ્યા હતાં.









