ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓએ દિલ્હીના આઝાદ મંડીમાં અને અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી હતી.આતંકીઓ રાઈઝીંન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એટીએસની રડારમાં હતા. હવે તેમની તપાસ તેજ કરી દેવામાં આવી છે. આતંકીઓના મોબાઈલમાંથી વીડિયો અને મેસેજ ડિલિટ થયા હોવાનું તપાસમા સામે આવ્યું છે.


આતંકીના મોબાઈલમાંથી એટીએસને વધુ વિગતો મળી

ATSના એસપીએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સમગ્ર તપાસમા બે મોડ્યુલની વાત છે. તેઓ એકબીજાના સંપર્કમાં હતાં કે નહીં તે અંગેની તપાસ છે. તેમના હેન્ડલ્સ જે છે તેઓ ક્યાંક ને ક્યાંક મળીને કામ કરી રહ્યાં છે. અમે જે આતંકીને પહેલા પકડ્યો તેના મોબાઈલથી અન્ય વિગતો પ્રાપ્ત થઈ. તેઓ ફંડિગ અને હથિયાર મેળવી રહ્યા હતાં અને તેમની પાસે રહેલા જે કેમિકલની વાત છે તેનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતાં તેની તપાસ ચાલુ છે.એવી પણ શક્યતાઓ છે કે, તેઓ એકસાથે અથવા તો ધીરે ધીરે તેનો ઉપયોગ કરી શકતા હતાં.

એક પ્લાન તૈયાર હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી

એસપીએ વધુમાં કહ્યું હતું કે, તેમની પાસે એક પ્લાન તૈયાર હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ આતંકીઓએ જમ્મુ કાશ્મીર, મુંબઈ, યુપી અને અમદાવાદની રેકી કરી હતી. આ તમામ જગ્યાએ ભીડ ભાડ વાળા વિસ્તારોમાં તેઓ ફર્યા હોવાનું એટીએસની પુછપરછમાં તેમણે જણાવ્યું છે. આ આતંકીઓ આ તમામ જગ્યાએ કોને મળતા હતાં અને કોના સંપર્કમા હતાં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આતંકીઓને 20 હજાર રૂપિયા આપવામાં આવતા હતાં

આતંકીઓએ તેયાર કરેલા રાઈઝીન કેમીકલ અંગે એસપીએ કહ્યું હતું કે, તેમણે આ પ્રકારનું એક કેમિકલ તૈયાર કરી રાખ્યું હતું. તેનો ઉપયોગ તેઓ કોઈપણ રીતે કરી શકતા હતાં. ક્યાં કરવાના હતાં તે હજી સુધી જાણવા નથી મળ્યું. એટીએસ આગામી સમયમાં આ આતંકીઓને ફંડિગ ક્યાંથી મળતુ હતું અને કેવી રીતે મળતું હતું તેની તપાસ શરૂ કરશે. આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદથી લઈને અન્ય રાજ્યોમાં પણ પોલીસ તપાસ માટે પહોંચી શકે છે. આતંકીઓ હેદરાબાદના ડો. આતંકી અબુ ખાદિજાના સંપર્કમાં હતાં. આતંકીઓને 20 હજાર રૂપિયા આપવામાં આવતા હતાં.

આતંકી સૈયદ હૈદરાબાદથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો

આતંકી સૈયદ હૈદરાબાદથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો. તે લાલ દરવાજા પાસેની હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સના 301 નંબરના રૂમમાં રોકાયો હતો. તેણે સાતમી નવેમ્બરે રાત્રે 12.45 વાગ્યે હોટેલમાં ચેક ઈન કર્યું હતું. તેણે હોટેલમાં રોકાવાનું ભાડુ પણ ચૂકવ્યું હતું. તે સવારના સમયે હોટેલમાંથી હથિયાર લેવા માટે નીકળ્યો હતો. હોટેલમાં રોકાવા માટે તેણે ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યું હતું.


  • Follow us on: