ગાંધીનગરના ચર્ચાસ્પદ ખોરજ જમીન વિવાદમાં એકદમ નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. અગાઉ અપહરણ અને અન્ય મામલે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનાર મહિલા ફરિયાદી કાજલ ઠાકોરે હવે પોલીસ પર જ ગંભીર આક્ષેપો કર્યા છે. આ રૂ. 150 કરોડની કિંમતી જમીન વિવાદમાં ખુદ પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી જતાં ચકચાર મચી ગઈ છે.
'પોલીસે જાતે ફરિયાદ તૈયાર કરી સહી કરાવી' - કાજલ ઠાકોર
મીડિયા સમક્ષ નિવેદન આપતા કાજલ ઠાકોરે દાવો કર્યો છે કે, તેમણે પોતાની મરજીથી કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ પોલીસે દબાણ કરીને જાતે જ ફરિયાદ તૈયાર કરી હતી અને તેમની સહી કરાવી લીધી હતી. પોલીસના ડર અને દબાણ હેઠળ જ જગદીશ ઠાકોર સામે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમજ પોલીસ અને દલાલો દ્વારા વારંવાર ફોન કરીને કડીના લોકોને જમીન આપી દેવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
