ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામમાં એક અતિ સંવેદનશીલ અને સનસનાટીભર્યો ગુનો નોંધાયો છે. 80 વર્ષીય ગુમ થયેલા વૃદ્ધા જીવીબેન રામભાઈ બાબરીયાની હત્યા, લૂંટ અને અપહરણનો ગુનો નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ઘટનાની વિગતો મુજબ, બંધારડા ગામના વૃદ્ધા જીવીબેન બાબરીયા તા. 8 ઓગસ્ટના રોજ બેંકમાંથી પૈસા ઉપાડીને પરત ફરતી વખતે રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી હતી ત્યારે, આ ગુનામાં સામેલ ગુન્હેગારો નવસારી જિલ્લામાં અન્ય એક લૂંટના બનાવમાં પકડાયા હતા. તેમની પૂછપરછ દરમિયાન ગીર ગઢડાની આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
ગીર ગઢડામાં ગુમ થયેલી વૃદ્ધાની હત્યા થયાનું ખુલ્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ગુન્હેગારોએ 8 ઓગસ્ટના રોજ વૃદ્ધાને લૂંટના ઇરાદે કારમાં બેસાડ્યા હતા અને ત્યારબાદ તેમનું મોત નિપજાવ્યું હતું. પુરાવાનો નાશ કરવા માટે હત્યારાઓએ વૃદ્ધાના મૃતદેહને જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ખાડીમાં એક અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો. 1 સપ્ટેમ્બરના રોજ જાફરાબાદ પોલીસે ખાડીમાંથી આ વૃદ્ધાનો કંકાલ (અસ્થિ) મેળવીને તેની ઓળખ માટે ગાંધીનગર ખાતે ડીએનએ (DNA) પરીક્ષણ માટે મોકલી આપ્યો હતો. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ, પરિવારના સભ્યના ડીએનએ સાથે કંકાલનો ડીએનએ મેચ થતાં, આજે (તા. 25ઓક્ટોબર) ગીર ગઢડા પોલીસ મથકે સત્તાવાર રીતે અપહરણ, લૂંટ અને હત્યા (IPC કલમ ૩૬૫, ૩૦૨, ૩૯૪) નો ગુનો નોંધવામાં આવ્યો છે.










