પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.ગીર જંગલ આસપાસના શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં પ્રવાસનના નામે ચાલી રહેલા ગોરખધંધાનો વધુ એક વાર પર્દાફાશ થયો છે.ગીર સોમનાથ એલસીબીની ટીમે ભોજદે ગીર ખાતે આવેલા એક જાણીતા કેરીના રિસોર્ટમાં ધાડ પાડીને હાઈપ્રોફાઈલ જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો છે.

એલસીબી ટીમે સરપ્રાઈઝ દરોડો પાડ્યો

મળતી વિગતો અનુસાર ગીરના જંગલ વિસ્તારમાં આવેલા રિસોર્ટસમાં પ્રવાસનના ઓઠા હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધતી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન રિસોર્ટના રૂમમાં હાર-જીતનો જુગાર રમી રહેલા અમદાવાદના 9 ધનાઢ્ય જુગારીઓ સહિત રિસોર્ટના મેનેજરની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે.પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો મળીને કુલ ₹6.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રિસોર્ટ્સ પર ગીર સોમનાથ પોલીસની એક્શન

સાસણ અને આસપાસના ભોજદે જેવા વિસ્તારોમાં આવેલા ખાનગી રિસોર્ટ્સમાં પ્રવાસીઓને આકર્ષવાના નામે કાયદાનો ભંગ કરીને જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવાનો વ્યાપ સતત વધી રહ્યો છે. તહેવારોના દિવસોમાં 'શકુનિઓ' માટે સુરક્ષિત અડ્ડો બનેલા આ રિસોર્ટ્સ પર ગીર સોમનાથ પોલીસે લાલ આંખ કરી છે.પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને રિસોર્ટ માલિક અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સામે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સહિત પૂર્વ મુખ્યમંત્રીઓ અમેરિકા કેમ ન જઈ શક્યા? જાણો 25 વર્ષનો રોચક ઈતિહાસ