સાબરકાંઠામાં BZ ફાઈનાન્સનું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યાર બાદ વધુ એક પોન્ઝી સ્કીમના કૌભાંડનો પર્દાફાશ થયો છે. હિંમતનગરમાં ધ બિગબુલ ફેમિલી નામથી પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેમાં હાલના તબક્કે 36 જેટલા રોકાણકારો પાસેથી 1.44 કરોડથી વધારેની ઠગાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી બે આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે બે આરોપીઓની અટકાયત કરી
સાબરકાંઠાના હિંમતનગરમાં ટાવર રોડ પર ધ બિગબુલ ફેમિલી નામથી એક પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમમાં દર મહિને ચારથી 6 ટકા સુધીનું રિટર્ન આપવાનું કહીને રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ રોકાણના નાણા ક્રિપ્ટોમાં રોકાતા હોવાનું કહી તેમાંથી વધુ આવક થતી હોવાનું રોકાણકારોને જણાવાયું હતું. આ સ્કીમમાં હિંમતનગર તાલુકાના કેટલાક લોકો સાથે ઠગાઈ થઈ હતી. અત્યાર સુધી 36 જેટલા રોકાણકારોએ હિંમતનગર બી ડિવિઝન પોલીસમાં 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે બે આરોપીઓની અટકાયત કરી લીધી છે.










