જામનગર જિલ્લાની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક અત્યંત જઘન્ય અને કાળજું કંપાવનારા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા પોક્સો વિથ મર્ડર કેસમાં અદાલતે આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજા સંભળાવી છે. જામનગર જિલ્લાના ન્યાયિક ઈતિહાસમાં પોક્સો વિથ મર્ડરના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે.
12 જાન્યુઆરી 2025ના રોજ બની હતી ઘટના
કેસની પ્રાપ્ત વિગત અનુસાર, આ ભયાનક ઘટના 12 જાન્યુઆરી, 2025ના રોજ બની હતી. આરોપી 39 વર્ષીય નિતિન ડોસાજી માણેક ભોગ બનનાર માસુમ બાળકીનો સગો મામા થતો હતો અને પીડિતા તેના મામાના ઘરે જ રહેતી હતી. નરાધમ મામાએ પોતાના જ ઘરે રહેતી ભાણી પર ગંભીર અને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ દરમિયાન માસુમ પીડિતાના શરીર પર અલગ-અલગ 23 જેટલી ગંભીર ઈજાઓના નિશાન મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આરોપીએ તેને કેટલી ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી હતી.
