જામનગર શહેરમાં ગરીબો માટે વિતરિત કરવામાં આવતા સસ્તા અનાજના જથ્થાની ગેરકાયદે હેરાફેરી અને કાળાબજારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પાણાખાણથી બેડી બંદર તરફ જતાં માર્ગ પર પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા વાહન નંબર GJ-10-AT-4747ને રોકીને તપાસ હાથ ધરી હતી. તલાશી દરમિયાન વાહનમાં સરકારી સસ્તા અનાજનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી કુલ 3,000 કિલોગ્રામ (3 ટન) ઘઉંનો જથ્થો જપ્ત કર્યો હતો.
રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત, જામનગરના જ 5 આરોપીઓની અટકાયત
પોલીસે સરકારી ઘઉંનો જથ્થો તેમજ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વાહન સહિત કુલ રૂ. 6,15,520નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા જામનગરના જ રહેવાસી એવા 5 ઇસમોની અટકાયત કરવામાં આવી છે. જેમાં શબીર જુસબભાઈ શેખ (ઉ.વ.50, રિક્ષા ડ્રાઇવિંગ), અબ્બાસ વલીમામદ જેડા (ઉ.વ.38, વેલ્ડિંગ કામ), અબ્દુલ વલીમોહમ્મદ જેડા (ઉ.વ.50, રિક્ષા ડ્રાઇવિંગ), આબીદ અબ્દુલ જેડા (ઉ.વ.28, મજૂરી) અને ઈકબાલ અબ્દુલ કમોરા (ઉ.વ.33, ડ્રાઇવિંગ)નો સમાવેશ થાય છે.
