ગુજરાતમાં સગીરાઓ અને મહિલાઓ સામે વધી રહેલા અપરાધો વચ્ચે જામનગર શહેરમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જામનગર શહેરના એક વિસ્તારમાં નાસતા ફરતા અને સગીરાને પોતાની હવસનો શિકાર બનાવનાર બે આરોપીઓની સિટી બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. આ નરાધમો દ્વારા અગાઉ માસૂમ સગીરાને વિવિધ પ્રકારની લાભ-લાલચ આપી તથા જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપીને તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે.
સગીરા ગર્ભવતી બનતા ખુલ્યું સમગ્ર પ્રકરણ
આ અમાનવીય અત્યાચારની હદ ત્યારે વટાઈ ગઈ જ્યારે આ ઘિનૌના કૃત્યના પરિણામે સગીરા ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું. સગીરાની શારીરિક સ્થિતિ બગડતા અને સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના બાદ ભોગ બનનાર સગીરા દ્વારા એક મૃત બાળકને જન્મ આપવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેણે આ સમગ્ર કેસને વધુ ગંભીર અને સંવેદનશીલ બનાવી દીધો છે.
