જામનગર શહેરમાં માનવતાને શર્મસાર કરતો અને માતા-પિતા માટે લાલબત્તી સમાન એક અત્યંત શર્મજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાહેર માર્ગમાં આવેલા અપના બજાર વિસ્તાર નજીક એક વૃદ્ધ નરાધમે નાની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરભરમાં ચારેકોર ચર્ચા અને આક્રોશ જાગ્યો છે. આ વૃદ્ધ નરાધમે જાહેરમાં રમી રહેલા નાના બાળકોને પાસે બોલાવ્યા હતા અને તેમને રમાડવાના બહાને તેમની નજીક ગયો હતો.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

ત્યારબાદ તેણે એક નાની બાળાને ખોળામાં બેસાડીને તેની સાથે અણછાજતા શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. નરાધમની આ કરતૂત આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વૃદ્ધ નરાધમ બાળકી સાથે વિકૃત હરકત કરી રહ્યો છે. બાળકી સાથે રહેલા અન્ય બાળકે વૃદ્ધની આ હરકત જોઈને બાળકીને તેની પાસેથી છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે પોતાનું શર્મજનક કૃત્ય કર્યા બાદ આ વૃદ્ધ નરાધમ રફુચક્કર થઈ ગયો હતો.

બાળકીને રમાડવાના બહાને કર્યા અડપલા

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરના જાહેર માર્ગો પર આવી શર્મજનક ઘટના બને તે પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા કરે છે. માતા-પિતા માટે આ કિસ્સો એક ગંભીર ચેતવણી સમાન છે કે પોતાના બાળકોને જાહેરમાં અજાણ્યા વ્યક્તિઓથી દૂર રાખવા અને તેમની સુરક્ષા પ્રત્યે હંમેશા સજાગ રહેવું.