જામનગર શહેરમાં ગુનેગારો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સક્રિય બનેલી રાજકોટ રેન્જની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરના પ્રખ્યાત વિસ્તાર એવા જોલી બંગલા પાસે આવેલી કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી મોટા પ્રમાણમાં અલગ-અલગ બ્રાન્ડના પાન મસાલા, તમાકુ અને સિગારેટનો શંકાસ્પદ તથા ચોરાઉ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રેન્જ ટીમની આ સચોટ બાતમી આધારિત કાર્યવાહીથી વેપારી આલમમાં અને શંકાસ્પદ ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
ચારેય શખ્સો પાસેથી મળી આવ્યો લાખો રૂપિયાનો માલ
પોલીસ તપાસ દરમિયાન આ સ્થળેથી ઝડપાયેલા ચારેય ઇસમો પાસેથી જુદી-જુદી બ્રાન્ડનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
પકડાયેલા શખ્સો પાસેથી મળેલા મુદ્દામાલની વિગતો
- આમદ ગનીભાઈ મેમણ: રૂ. 6,21,000 નો જથ્થો
- મુકેશ પ્રભુલાલ જેસાણી: રૂ. 3,96,000 નો જથ્થો
- કાદર ગનીભાઈ ફુલવાડી: રૂ. 3,65,000 નો જથ્થો
- દીપક રમણીકભાઈ સોનછાત્રા: રૂ. 1,58,000 નો જથ્થો
આમ, ચારેય શખ્સો પાસેથી કુલ રૂ. 15,41,400 ની મસમોટી કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ તમામ શખ્સો જામનગર શહેરના જ અલગ-અલગ વિસ્તારોના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આધાર-પુરાવા કે બિલ રજૂ ન કરી શકતા માલ શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત
પોલીસ દ્વારા પકડાયેલા ચારેય શખ્સોને આટલા મોટા જથ્થાની ખરીદી અંગેના વેચાણ બિલ, આધાર-પુરાવા અથવા કાયદેસરના દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પ્રશાસન કે પોલીસ સમક્ષ કોઈ સંતોષકારક ખુલાસો કે અધિકૃત બિલ રજૂ કરી શક્યા ન હતા. જેને લઈને આ જથ્થો ચોરાઉ કે શંકાસ્પદ હોવાની પ્રબળ શંકાના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
જપ્ત કરાયેલા રૂ. 15,41,400 ની કિંમતના આ મોટા જથ્થાને આગળની કાયદેસરની અને સઘન તપાસ અર્થે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. હાલ રાજકોટ રેન્જ ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot News: દારૂબંધીના કાયદાને લઈને બિલ્ડર ધ્રુવિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન, ધારાસભ્ય પાયલ કુકરાણીને કરી મોટી અપીલ!