જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યા કરવાના દુઃખદ મામલામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કોન્સ્ટેબલને છેલ્લા એક વર્ષથી સતત માનસિક ત્રાસ આપીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ વચ્ચે, આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
એક વર્ષથી ચાલતી હેરાનગતિ અને હાઇકોર્ટમાં ખોટી ફરિયાદનો આરોપ
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક પોલીસ કર્મચારીને છેલ્લા એક વર્ષથી વિવિધ પ્રકારે કનડગત કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, તેમની સામે હાઇકોર્ટમાં ખોટી અને પાયાવિહોણી ફરિયાદો દાખલ કરીને તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. આ સતત દબાણ અને કનડગતથી કંટાળીને કોન્સ્ટેબલે ગત 20 નવેમ્બરના રોજ ઝેરી દવા પી લીધી હતી, ત્યારબાદ સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.


