શિક્ષણ નિરીક્ષક દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિસાવદર તાલુકાના વેકરીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મીતેશગીરી ઉર્ફે મૂળરાજ ગીરી સેવાગીરી ગોસ્વામી અને શ્રી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને તેમના ધર્મપત્ની ઇલાબેન ગોસ્વામીએ મળીને સરકારના નાણાંની ઉચાપત કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં આરોપી આચાર્ય મિતેશગીરીએ આરોપી નં. ૨ ઇલાબેન ગૌસ્વામી સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું.


સેવાપોથીમાં ફેરફાર કર્યો હોવાની વાત

આ કાવતરાના ભાગરૂપે આરોપી મિતેશગીરી ગૌસ્વામીનાઓએ 'મિતેશગીરી સેવાગીરી ગૌસ્વામી' ના નામની બનાવટી સેવાપોથીમાં તેમની અસલ જન્મ તારીખમાં છેડછાડ કરી હતી, આ છેડછાડના આધારે, તેમણે સરકારની નિયત સમયમર્યાદા કરતાં વધુ એક વર્ષ સુધી શાળાના આચાર્ય તરીકે નોકરી કરી હતી. આ નોકરીના આધારે તેમણે વધુ પેન્શનના લાભો મેળવ્યા હતા, જેનાથી સરકારી તિજોરીને રૂ. ૧૦,૭૫,૪૮૭/- નું નુકસાન થયું હતું અને આ રકમની ઉચાપત કરવામાં આવી હતી.

છેતરપિંડી કરી આરોપીઓ ફરાર થયા

​વધુમાં, આરોપીઓએ બીજી વખત પેન્શન મેળવવા માટે 'મૂળરાજગીરી સેવાગીરી ગૌસ્વામીના નામની બીજી બનાવટી સેવાપોથી બનાવી હતી અને બનાવટી પેન્શનના કાગળો તૈયાર કરીને શિક્ષણ વિભાગની કચેરીમાં રજૂ કર્યા હતા, જેમાં તેમની પત્ની ઇલાબેન ગોસ્વામીએ ખોટા સહી સિક્કા કરી આપ્યા છે અને આ તમામ દસ્તાવેજોની જાળવણી કરવાની જવાબદારી જે તે ટ્રસ્ટ સંચાલિત શાળાની હોય છે પરંતુ ટ્રસ્ટ પ્રમુખ તેમના ધર્મપત્ની હતા અને તેમને સમગ્ર વાતથી જાણ હોવા છતાં પણ ખોટા કરીને સરકારી નાણા ઉચાપત કરવામાં તેમની મદદગારી કરી તે બદલ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ છેતરપિંડી બનાવટી દસ્તાવેજો બનાવવા, બનાવટી દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરવો વગેરે કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Follow us on: