જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં દિવાળીની રાત્રે લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી સામાન્ય માથાકૂટ ગંભીર હત્યામાં પરિણમી હતી. આ ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થયું હતું, અને દિવાળીનો દિવસ તેના માટે અંતિમ દિવસ બની ગયો હતો.
જૂનાગઢમાં થયેલી હત્યામાં પોલીસે કરી કાર્યવાહી
પ્રાપ્ત માહિતી મુજબ, ફટાકડા ફોડવાની બાબતે થયેલી મારામારીની ઘટનામાં એક મહિલા સહિત પાંચ શખ્સોએ ભેગા મળીને યુવાનને લાકડીઓ, ધોકાઓ અને પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો, જેના પરિણામે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. આ ગંભીર હત્યા કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા એક મહિલા સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. કેસની ઊંડાણપૂર્વક તપાસના ભાગરૂપે, પોલીસે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનર્નિર્માણ) કર્યું હતું. આ રીકન્સ્ટ્રક્શનનો હેતુ ઘટના કઈ રીતે બની, આરોપીઓએ કયા હથિયારોનો ઉપયોગ કર્યો અને હત્યાનો ક્રમ શું હતો તે સ્પષ્ટ કરવાનો હતો.










