જૂનાગઢના રહેવાસી અને વર્ષ 2017માં RFOમાંથી નિવૃત્ત થયેલા 67 વર્ષીય પરસોતમભાઈ ત્રિકમભાઈ કનેરીયા એક વર્ષ પહેલાં ઉર્મિલા નામની મહિલા તરફથી ફેસબુક રિક્વેસ્ટ આવી હતી અને જે સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વોટ્સએપ પર ચેટીંગ શરૂ થયું. ઉર્મિલાએ પોતે એકલી હોવાનું જણાવી ફરિયાદી સાથે આત્મીયતા કેળવી આ સંબંધ પાંચેક મહિના સુધી ચાલ્યો હતો. પાંચેક મહિના પહેલાં ઉર્મિલાએ ફરિયાદીને રાજકોટ બોલાવ્યા અને એક હોટલમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. ત્યારબાદ જૂન 2025માં ઉર્મિલાએ ફોન કરીને જણાવ્યું કે તે ગર્ભવતી છે અને એબોર્શન કરાવવું પડશે, જેના માટે તેણે રૂપિયાની માંગણી શરૂ કરી.
જૂનાગઢમાં હની ટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો
ફરિયાદીએ તેને કટકે કટકે ગુગલ-પે દ્વારા ઘણા રૂપિયા મોકલ્યા પણ હતા. થોડા દિવસો વિત્યા બાદ ગત તા. 19/09/2025 ના રોજ ઉર્મિલાના કહેવાથી ફરિયાદી ચોટીલાની એક હોટલમાં રોકાયા હતા. આ રાત્રિ રોકાણ દરમિયાન ઉર્મિલાએ અધિકારીની અંગત પળોનો વીડિયો તેના મોબાઈલમાં છૂપી રીતે બનાવી લીધો હતો. 25/09/2025 ના રોજ ફરિયાદીને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યો. કોલ કરનારે પોતે નિવૃત્ત અધિકારીના ચોટીલાની હોટલના વીડિયો તેની પાસે હોવાનું જણાવી રૂપિયા 40 લાખની ખંડણીની માંગણી કરી હતી. ધમકી આપવામાં આવી કે જો રૂપિયા નહીં આપે તો વીડિયો પરિવારજનો અને મિત્રોમાં સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરી દેવામાં આવશે.
અંગત પળોના વીડિયોના આધારે બ્લેકમેલ
બ્લેકમેલરે ધમકીના ભાગરૂપે ફરિયાદીને 'વન ટાઇમ ઓપન' વીડિયો પણ મોકલ્યો હતો, અને જણાવ્યું હતું કે તેની પાસે ફરિયાદીના પરિવારજનોના મોબાઈલ નંબરની વિગતો પણ છે. ખંડણીની ધમકી મળતા ફરિયાદીએ જ્યારે ઉર્મિલાને આ અંગે વાત કરી, ત્યારે ઉર્મિલાએ પણ પોતે બ્લેકમેલ થતી હોવાનો ડોળ કર્યો. જોકે, આ દરમિયાન પણ ઉર્મિલા વારંવાર એબોર્શનના નામે રૂપિયા માંગતી હતી અને અજાણ્યા વ્યક્તિને 40 લાખ આપી દેવા દબાણ કરતી હતી.
40 લાખની ખંડણી માંગવામાં આવી
આખરે શંકા જતાં ફરિયાદીએ દબાણપૂર્વક પૂછતાં, ઉર્મિલાએ કબૂલ્યું કે અંગત પળોનો વીડિયો તેણે જ પોતાના ફોનમાં ઉતાર્યો હતો અને તે વીડિયો તેની બહેનપણી સગુફ્તા ઉર્ફે જોયાને મોકલ્યો હતો. સગુફ્તાએ આ વીડિયો જૂનાગઢના જીસાન બદવી નામના યુવકને આપ્યો હતો, જેણે બ્લેકમેલ કરીને ખંડણી માંગવાનો ખેલ શરૂ કર્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક હની ટ્રેપના આ સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ રાજકોટની ઉર્મિલા, તેની બહેનપણી અને મૂળ જૂનાગઢની હાલ રાજકોટ રહેતી સગુફ્તા ઉર્ફે જોયા, અને જૂનાગઢના જીસાન બદવીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.