જૂનાગઢના પવિત્ર ભવનાથ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો અને ટ્રસ્ટીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વહેલી સવારે ઘેડિયા કોળી સમાજની વાડીમાં ત્રણ અજાણ્યા શખ્સોએ અચાનક ઘૂસીને ભારે બબાલ મચાવી હતી. અસામાજિક તત્વોએ વાડીમાં તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ સિવાય વાડી પરિસરમાં દાદાગીરી કરી રહેલા આ શખ્સોએ વાડીના મેનેજર સાથે બોલાચાલી કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
મેનેજરને ઢોર માર મારી ફરાર થયા હુમલાખોરો
વાડીમાં તોડફોડ કરવાનો વિરોધ કરતા જ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈને મેનેજર પર હુમલો કરી દીધો હતો. મેનેજરને ઢોર માર મારવામાં આવતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે બનેલી આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. હુમલાખોરો કયા હેતુથી આવ્યા હતા અને બબાલ પાછળ શું વિવાદ હતો તે અંગે ઘેડિયા કોળી સમાજના લોકોમાં અનેક તર્ક-વિતર્ક સેવાઈ રહ્યા છે.
