જૂનાગઢ જિલ્લામાં કુખ્યાત ગણાતી બંગલા ગેંગ તરીકે પ્રખ્યાત એવી ગેંગના મુખ્ય સૂત્રધાર કરસન ગલા મોરીની ધરપકડ કરી છે. તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે આગામી 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અન્ય ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ગેંગના ભાવિન ખોડા બડ (સરગવાડા): 14 ગુના, નિલેશ ઉર્ફે નીલુ ખોડા બડ (સરગવાડા): 8 ગુના,કરસન ગલા મોરી (ગાંધીગ્રામ): 8 ગુના, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા (જાંજરડા રોડ): 7 ગુના, જાદવ ઉર્ફે લાખા સાંગા હૂણ (કોયલી, વંથલી): 9 પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી કરસન ગલા મોરીની ધરપકડ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં સક્રિય અને બંગલા ગેંગ
આ ગેંગ 'બંગલા ગેંગ' તરીકે જાણીતી હતી કારણ કે તેઓ સામાન્ય લોકોની જમીન અને પૈસા પડાવી લેવા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ જાંજરડા રોડ પર આવેલા એક બંગલામાંથી ઓપરેટ કરતા હતા. આ બંગલો જ તેમનું હેડક્વાર્ટર હતું, જ્યાંથી તેઓ ધાકધમકી આપીને જમીન પોતાના નામે લખાવી લેતા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા.વર્ષ 2015 થી ખૂન, લૂંટ, જમીન પચાવી પાડવા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગેંગ સામે ગુજસીટોક હેઠળ દાખલ
આ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ જિલ્લામાં ગુજસીટોક હેઠળ દાખલ થયેલો આ આઠમો ગુનો છે. આ ગેંગના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ અધિકારીએ જાહેર જનતાને અપીલ કરી છે કે આ પાંચેય આરોપીઓ તરફથી ક્યારેય પણ કોઈ રંજાડ થઈ હોય અથવા કોઈ વ્યક્તિ ભોગ બન્યું હોય, તો તેઓ નીડર અને નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરે. પોલીસ દ્વારા આ કેસમાં યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને ગુનાઓ સંબંધિત વધુ પુરાવા એકઠા કરીને મજબૂત તપાસ કરવામાં આવશે.