યાત્રાધામ ડાકોરમાં નવરાત્રી દરમિયાન મધરાત્રિના સમયે અચાનક પરિસ્થિતિ વણસતાં લોહિયાળ અથડામણ થઈ હતી.સત્યમ સોસાયટી નજીક નવી નગરી વિસ્તારમાં અચાનક બે કોમના જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ શરૂ થયું હતું.જોતજોતામાં મામલો એટલો ગંભીર બન્યો કે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઉશ્કેરાટમાં તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલા કરવા લાગ્યા હતા.તીક્ષ્ણ હથિયારોથી કરવામાં આવેલા આ હુમલામાં બંને તરફથી લોકો ઘવાયા હતા અને એક મહિલા સહિત કુલ 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.પોલીસે 8 પૈકી 5 આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ મૃતક સહિત 8 વ્યક્તિઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે કુલ 8 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર,બે જૂથ વચ્ચે અંગત અદાવત ચાલી રહી હતી અને તે બાબતને લઈને મોડી રાત્રે બંને પક્ષો સામસામે આવી ગયા હતા.બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.આ જૂથ અથડામણ દરમિયાન સુલતાન શેખ નામના યુવક પર હુમલો થતાં તેનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ ડાકોર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી. ડાકોર પોલીસે આ સમગ્ર બનાવમાં ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બંને પક્ષો તરફથી સામસામી ગુનાહિત ફરિયાદો નોંધી છે.પ્રથમ પક્ષે નોંધાવેલી હત્યાની ફરિયાદમાં ડાકોર પોલીસે કુલ 8 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.ગુનો નોંધાયા બાદ એક્શનમાં આવેલી પોલીસે તાબડતોબ આ 8 પૈકી 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે.જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરાઈ છે.
