ખેડા જિલ્લા પોલીસ દ્વારા સંગઠિત ગુનાખોરી આચરતા તત્વો સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદો (GUJCTOC) હેઠળ કુખ્યાત ‘ભાનુ ભરવાડ ગેંગ’ વિરુદ્ધ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કડક કાનૂની એક્શનના ભાગરૂપે ગેંગના મુખ્ય શખ્સ રાજેશભાઈ ઉર્ફે નવઘણ ભરવાડ અને તેના પિતાની અટકાયત કરવામાં આવતા સમગ્ર જિલ્લાના ગુનાખોર તત્વોમાં ભારે ફફડાટ અને હડકંપ મચી ગયો છે.

LCB ની હાજરીમાં નવઘણની દાદાગીરી

એક તરફ જ્યાં પોલીસ ગેંગ પર શિકંજો કસી રહી છે, તો બીજી તરફ આરોપી નવઘણની બેફામ દાદાગીરી અને બેપરવાહ વલણનો એક વીડિયો સામે આવ્યો છે. એલસીબી (LCB) ટીમની કસ્ટડી અને હાજરીમાં જ નવઘણે કથિત હલકાઈભર્યું વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. મીડિયાના કેમેરા પોતાની તરફ ફરતા જ તેણે પોલીસની નજર સામે જ અશોભનીય અને ગંદા ચાળા કરવાનું શરૂ કરી દીધું હતું. કાયદાનો ડર હોવાને બદલે આરોપીની આ બેખોફ દાદાગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વર્ષ 2003 થી 2026 સુધીના 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે

રેકોર્ડ્સ મુજબ, રાજેશભાઈ ઉર્ફે નવઘણ ભરવાડ સામે સામાન્ય ગુનાઓ નહીં પરંતુ અત્યંત ગંભીર અપરાધો નોંધાયેલા છે. વર્ષ 2003 થી લઈને વર્ષ 2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન તેની સામે હત્યા, હત્યાની કોશિશ, ગેરકાયદે મંડળી રચવા, ધાકધમકી આપવી અને પ્રાણઘાતક હથિયારો સાથે ખુલ્લેઆમ મારામારી કરવાના કુલ 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનો પોલીસ દ્વારા સત્તાવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા પોલીસની આ કડક કાર્યવાહીથી હવે આખી ગેંગનું નેટવર્ક વેરવિખેર થવાની પૂરી સંભાવના છે.

આ પણ વાંચો : Vadodara મનપાને સિંચાઈ વિભાગનો મોટો આંચકો, પાનમ યોજનાનું રૂ. 1,000 કરોડનું અધધ બિલ ફટકારાયું!